[ હાસ્ય-લેખ : ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. ]
પચ્ચીસ વર્ષ પહેલાંની વાત છે. ત્યારે મારી ઉંમર પણ પચીસ વર્ષ હતી. (…તો અત્યારે નલિની ગણાત્રાની ઉંમર કેટલી…, એવી ગણતરી માંડ્યા વગર આગળ વાંચવાનું ચાલુ રાખો !) આમ તો હું દીકરી મોટા ઘરની, છતાં મને નાનકડા ગામમાં નોકરી મળી, જે મેં મોટું મન રાખીને સ્વીકારી લીધી. હું જ્યારે કૉલેજમાં ભણતી હતી ત્યારે ભણવા સિવાયનાં બાકીનાં બધા કોર્સ મેં હોંશે હોંશે પૂરા કર્યા હતા ! એટલે લેણા પેટે જ મને ભણાવવા માટે ભણવું (વાંચવું) તો પડે જ ! આમ વ્યાજ સાથે વળતર ચૂકવવાના દા’ડા આવ્યા’તા !
મને જ્યાં નોકરી મળી એ ગામની ત્રણ વસ્તુ વખણાતી હતી. માવો, બાવો અને ભેંસ !! આ ત્રણેયની ત્યાં રેલમછેલ હતી. આ ત્રણેય વચ્ચે વર્ણસમજૂતી અદ્દભુત હતી. માવો સફેદ હતો, બાવા કાળા અને સફેદ હતા; અને ભેંસો કાળી હતી. ઉપરાંત આ ત્રણ વચ્ચે અલમસ્ત અનુસંધાન હતું. કાળી ભેંસના દૂધમાંથી સફેદ માવો બનતો અને એ માવો ખાઈને ગામના બાવા ભેંસ જેવા તગડા બનતા.
આમાં માવાની વખણાઉ વિશેષતા એ હતી કે એ માવામાંથી ઠળિયા વગરના ગુલાબજાંબુ બનતા. એટલે ત્યાં રહી ત્યાં સુધી મેં એવા સીડલેસ ગુલાબજાંબુ ખૂબ ખાધા. વળી એ માવો ‘મા’ થી માંડી ‘વો’ સુધીનાં તમામને માફક આવતો એટલે મેં એ લાગતા વળગતા તમામને પણ માવાનો લાભ આપેલો. કારણ કે એક અજીર્ણના આજીવન રોગીએ મને કહેલું કે કોઈને ખવડાવીને ખાઈએ તો આપણને કદી અજીર્ણ ન થાય. અને એમની વાત એ રીતે સાચી હતી કે, બધાને ખવડાવીએ પછી આપણા માટે ખાવાનું નહીં, ચાખવાનું જ બચે ! એમાં ક્યાંથી અપચો થાય ?! ખેર, મેં જેને જેને એ માવાના ગુલાબજાંબુ ખવડાવેલા એ ગુણીજનો આજે પણ માત્ર ગુલાબ કે માત્ર જાંબુ જુએ તોય મને યાદ કરે છે. વિશ્વની આ એક જ મીઠાઈ એવી છે જેમાં નથી ગુલાબ હોતું કે નથી જાંબુ હોતું છતાંય એ વટથી ગુલાબજાંબુ કહેવાય છે ! હવે જેમાં જાંબુ ન હોય એમાં ઠળિયા તો શેના જ હોય ?! છતાં જે શ્રીમતીજીને બનાવતા ન આવડે એ તો પોચા માવામાંથી ઠળિયા જેવા કઠણ ગુલાબજાંબુ પણ બનાવી જાણતી હોય છે !
એની વે, માવા જેટલી જ છત એ ગામમાં બાવાની હતી. ફુવડના ઘરમાં હોય એના કરતાંય વધુ બાવા આ ગામમાં હતા. ઘરની બહાર નીકળો કે તુર્ત જ આંખ સામે પહેલા બાવા જ બાઝે !! અથાણામાં મીઠું આગળ પડતું હોય એમ આ ગામમાં બધી બાબતમાં-પ્રસંગમાં બાવા આગળ પડતાં રહેતા, અને હંમેશ આગળ પડતાં હોવાથી ‘કોઈની’ પાછળ પડવાનો સવાલ જ નહોતો ! આ વાત હું પચીસ વર્ષ પહેલાંની કરી રહી છું એટલેએ જમાનાનાં બાવા આજના બાવા જેવા પાછળપડુ નહોતા. એ જમાનામાં તો બાવાનો ઉપયોગ મોટે ભાગે બાળકોને બીવડાવવા માટે જ થતો. એમાંય ખાસ કરીને બાળક ઊંઘે નહીં ત્યારે બીક બતાડતા કે, ‘સૂઈ જા, નહીંતર બાવો આવશે.’ જો કે મને તો આજે પણ એ વાતનું આશ્ચર્ય થાય છે કે, બાવાની બીકથી ઊંઘ આવે કે ઊડી જાય ?! છતાં ખબર નહીં કેમ બાળકોને ઊંઘાડી દેવા આ જ નુસખો વપરાતો. પરંતુ એ ગામમાં તો બાળકો બાવા જોઈને જ મોટા થયેલા એટલે બાવાથી શેનાં બીવે ?! એ તો બાવા અંકલ આયા… બાવા અંકલ આયા… એમ ખુશ થઈને બાવાને બાઝવા સામા દોડે !! તેથી તકલીફ એ થતી કે એ ગામમાં મમ્મીઓએ પોતાના બાળકોને હાલરડાં ગાઈને સૂવડાવવા પડતાં ! પણ શું થાય ? ગામડા ગામમાં એવી નાનીમોટી તકલીફો તો રહે જ ને ?!!
આમ બાવાવાદ અને માવા સ્વાદના પુરાવા તો મને મળી ગયા. હવે ફકત ભેંસનો આસ્વાદ લેવાનો બાકી હતો. આસ્વાદ એટલે અનુભવનો આસ્વાદ યાર ! સાચું કહું તો મને ભેંસ માટે ક્યારેય દિલચશ્પી જ નથી થઈ. નહીં તો ઘણા લોકો ભેંસ આગળ ભાગવતનો કાર્યક્રમ રાખતાં હોય છે !! પણ મને ભેંસ માટે આવો ભગવદભાવ જાગ્યો નથી. એનું કારણ એ છે કે હું રહી વાયબ્રન્ટ પ્રકૃતિની અને ભેંસ સાવ બ્લન્ટ પ્રકૃતિની ! હું ધસમસતી ટ્રેન જેવી અને એ સાવ ગાડી ના પાટા જેવી સ્થિર ! પેલા સસરા માટે કહેવાય છે ને કે, ‘હીંચકે બેસી ઝુલે એને કાંઈ ન લેવા દેવા’ એમ ભેંસ માટે કહી શકાય કે, ‘પાણીમાં બેઠી ફુલે એને કાંઈ ન લેવા દેવા.’ અરે આપણે મજાની ડિઝાઈનર સાડી પહેરીને એની પાસેથી પસાર થઈએ તોય એ આપણી સામું એક નજર પણ ન નાંખે એવી સાવ આળસુ મિજાજની !! પછી આપણનેય એના માટે શાનો ભગિની ભાવ થાય ?! પણ આ તો એ ગામની વખણાતી વસ્તુની યાદીમાં એનું નામ હતું એટલે જરીતરી એમ થતું કે અહીં આવવાનું થયું જ છે તો એકવાર એને પણ ‘જોઈ લઈએ !’ જેથી ફરી સ્પેશયલ એના માટે આવવું નહીં !
પરંતુ ક્યાંય સુધી મને ભેંસ મિલાપ થયો નહિ. એમ તો ભેંસ જોવા તો રોજ જે મળતી અને ઘણી મળતી. પરંતુ એની વિશેષતાનો અહેસાસ થવો બાકી હતો. હવે ગામમાં મારી નોકરી તદ્દન હંગામી હતી. એટલે ગમ્મે ત્યારે ઉચાળા ભરવા પડે એમ હતું. આ બાજુ ભેંસની અંગત મુલાકાતના કોઈ એંધાણ વર્તાતા નહોતા. એટલે હું જસ્ટ વસવસો કરવાની તૈયારીમાં જ હતી ત્યાં એણે દેખા દીધી. એ શ્યામા મુજ સમીપે આવી એટલે કેવી આવી ? હું એને જોઈ લેવા માંગતી’તી તો એ પણ મને બતાવી દેવા માંગતી હોય એવા તૂફાની મિજાજ સાથે આવી પહોંચી. બન્યું એવું કે મજાનું માંદગી સપ્તાહ ઊજવીને હું નોકરીમાં મારી ફરજ પર હાજર થવા જઈ રહી હતી. વાસી બિમારીમાંથી તાજી જ ઊભી થયેલી એટલે અશક્તિ પણ સોલિડ લાગતી’તી (મને અશક્તિ પણ નબળી નહીં, સોલિડ જ પાલવે !) આમ સશક્ત નબળાઈને કારણે હું મારી ફ્રેન્ડનો હાથ પકડીને ધી…મે… ધી…મે… ચાલીને જઈ રહી હતી અને મારી તબિયતની ફિક્કાસ કોઈની નજરે ન ચડે એટલા માટે એ દિવસે મેં લાલ સાડી પહેરેલી. અને લાલ રંગ જોઈને એક ભેંસ ભાવુક થઈને મારી સાવ નજીક આવી ગઈ. એ અચાનક આવી, એટલે હું તો ગભરાઈને એકદમ દોડવા માંડી. એને એવું લાગ્યું કે મેં દોડની રેસ માટે ઈજન આપ્યું ! એટલે ભેંસ પણ ફોર્મમાં આવી ગઈ અને એણેય એક્સીલેટર દબાવ્યું અને અમારી વચ્ચે ચાલુ થઈ મેરેથોન દોડ !!
હવે પચીસ વર્ષ પહેલાં તો હું પાતળી જ હોઉં ને ? એટલે જાણે પાતળી પી.ટી. ઉષા અને જાડી પી.ટી. ઉષા વચ્ચે દોડની હરીફાઈ ચાલતી હોય એવો માહોલ ઊભો થયો ! હું આગળ અને એ પાછળ ! અમારી વચ્ચે ફક્ત દોઢ ફૂટનું જ અંતર હતું. અને દોઢનો આંકડો ક્યારેય ઓછો નથી હોતો ! અને એ તો જાણે આળસુનું મેણું ભાંગવા જ આવી હોય એમ ચારેચાર પગે દોડતી’તી. એનું સ્વભાવ વિરુદ્ધનું સ્વરૂપ જોઈને હું એવી ડઘાઈ ગયેલી કે મારી અશક્તિને ખિસ્સામાં મૂકી હુંય બે પગે તો બે પગે દોડે જ રાખતી’તી…..! અમારા બંનેની જાણ બહાર અમે બંને લગભગ બે એક કિલોમીટર દોડી ગયા હોઈશું. ભેંસ તો ખાઈપીને મારી પાછળ પડી’તી પણ હું તો તાવને લીધે સાવ ભૂખ્યા પેટે હતી. અને મારામાં તો હવે ગબડી પડવાનીયે ત્રેવડ બચી નહોતી. મારી પરિસ્થિતિ જોઈને ભગવાનનેય પરસેવો છૂટી ગયો હશે એટલે જ એ મદદે આવ્યો. અનાયાસે જ રસ્તાની ડાબી બાજુ એક ખેડૂતનું ખોરડું દેખાયું અને હું ફંટાઈને એ બાજુ વળી ગઈ અને ભેંસ તો સીધી ને સીધી દોડતી આગળ નીકળી ગઈ !! મને બાય કરવા પણ ન રહી !
એની વે, મારામાં તો ખરેખર હાંફવાનીયે શક્તિ નહોતી. એ જોઈને ખેડૂત પત્નીએ મને પાણી પાયું એના બદલામાં મેં એમને મારી સાથે બનેલી હૃદયદ્રાવક, ફેફસાંદ્રાવક, કિડનીદ્રાવક ઘટના કહી સંભળાવી ! એના બદલામાં પાછું એમણે મને એનિમલની સ્ટ્રેટેજી સમજાવી. એમણે કહ્યું કે બહેન, ઈશ્વરે પ્રાણીઓને આડા બનાવ્યા છે પણ એમનો સ્વભાવ સીધા જ ચાલવા-દોડવાનો છે ! (માણસોમાં આનાથી તદ્દન ઊધું છે !) એટલે હવે પછી ક્યારેય તમારી ઈચ્છાથી કે ઈચ્છાવગર બળદકુળનું કોઈ સભ્ય તમારી પાછળ પડે તો તુરત જ આડા ફંટાઈ જવું. કારણ કે પ્રાણીઓમાં આડા ફાટવાની અક્કલ નથી હોતી. મને ઘણું લાગી આવ્યું કે અરેરે…. આમ તો હું કારણ વગર આડી ફાટતી હોઉં છું અને ટાણું આવ્યે જ આડા ફાટવાનું ન સૂઝ્યું એમાં ભેંસે મને કેવી સીધી દોર કરી નાંખી ?! એક કાળી ભેંસે મને ધોળે દિવસે લાલ-પીળા તારા બતાવી દીધા !
પણ એક વાત છે. મને ધાંયધાંય અશક્તિમાંય ફાસંફાસ દોડાવીને ભેંસ મેડમે મને માણસ માત્રના તન-મનમાં રહેલી ધરખમ શક્તિનો પરિચય કરાવી દીધો. તેથી હું એ ભેંસને માત્ર ભારે જ નહીં, ‘ગુરુ’ પણ માનું છું અને દર ગુરુપૂર્ણિમાએ એને યાદ કરું છું, એટલું જ નહીં એની ચિંતા પણ કરું છું, કે એ ભેંસ ક્યાં હશે ? શું કરતી હશે ? દોડતી હશે કે પાણીમાં પથરાઈને પડી હશે ? એના શીંગડા હજુ એવા કડક હશે કે એમાં કરચલી પડી હશે ? એના ડોળાની ચમક આજે પણ એટલી જ તેજસ્વી હશે ? એ સ્લો મોર્નિંગ વૉકની સાથે ‘ટૉક વ્હેન યુ વૉક’ નો ‘આઈડિયા’ ને ફોલો કરતી હશે ? કે હજુ મૂંગી મૂંગી જ ચાલતી હશે ? આવી મારી ચિંતા અહીં પુરી થાય છે !
જેનું કોઈ સાંભળતું ન હોય એવા લોકો ભેંસ આગળ ભાગવત કરતા હોય છે, જ્યારે મેં તો આજે પૂરી ભેંસની જ ભાગવત કરી નાંખી. પણ ભેંસ ક્યારેય આવા હવાતિયા નથી મારતી ! અરે ! અક્કલ બડી કે ભેંસ ? આ પાતળો પ્રશ્ન સદીઓથી આપણને સતાવે છે, ભેંસને નહીં ! એની હાયવોય વગરના જીવન પરથી મને તો એવું લાગે છે કે આપણી બુદ્ધિ બળી છે અને ભેંસ આપણાથી ‘બડી’ છે !! તમે જો મારી આ વાત સાથે સંમત ન હો….. તો સંમત થઈ જાવ, બીજું શું ? અસ્તુ.
No comments:
Post a Comment