Thursday, October 15, 2009

[‘કામ કરો કુનેહથી’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1996) સાભાર.]

[1] ‘ના’ કહેવાની કળા શીખો

અમુક સમયે તમારે ‘ના’ કહેવી જોઈએ, કારણ કે તેનાથી ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. આપણામાં કહેવત છે : ‘એક નન્નો સો દુ:ખ હણે’. એક વાર હિંમત કરીને ‘ના’ પાડી દો એટલે કામ સરળ બની જાય છે. હિંમત કરીને એટલા માટે કે, સામેની વ્યક્તિનો ખ્યાલ રાખવાનો હોય છે કે એને માઠું ન લાગે. એની સાથે આપણા સંબંધો બગડે નહીં. તેથી જ મનોવૈજ્ઞાનિકો કહે છે કે ‘ના’ કહેવાની કળા શીખી લો. ‘ના’ કેવી રીતે કહેવી તેની પણ રીત હોય છે. સામેની વ્યક્તિ તમારી વાત સમજી જાય અને માઠું લગાડે નહીં એવી પદ્ધતિ અપનાવો. તમે એને ખાત્રી કરાવો કે તમે તેનું કામ કરવા તૈયાર છો, પણ હમણાં નહીં. થોડા સમય પછી જરૂર.

જો સામેની વ્યક્તિને ખાત્રી થશે કે તમે એને ના નથી પાડતા પણ એના કામને ના પાડો છો, તો કોઈ સમસ્યા ઊભી નહીં થાય. તમને જે કામ યોગ્ય લાગે, જે તમે સમયસર કરી શકો તેની જ ‘હા’ પાડો. અન્યથા બેધડક ‘ના’ પાડો. જે કામ તમે કરી શકવાના નથી એવું તમને લાગે તો શા માટે સારા શબ્દોમાં ‘ના’ ન પાડવી ? શરમમાં એક વખત ‘હા’ પાડી દેશો પછી તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને સંબંધ જળવાવાને બદલે બગડશે. તમે સમય જાળવી નહીં શકો અને તમારા મિત્રને કે સામેની પાર્ટીને માઠું લાગશે. ‘ના’ પાડતી વખતે તમે જો તમારી સ્થિતિ સારી રીતે સમજાવી દેશો તો તે ‘ના’ની અસર હળવી થઈ જશે અને વ્યવહાર જળવાઈ રહેશે. કેટલાક લોકોને રજૂઆત કરતા નથી આવડતું અને તેથી તેમની ‘હા’ પણ ‘ના’ જેવી હોય છે. જ્યારે આવું જ હોય ત્યારે તેઓ ‘ના’ કહે તો શું દશા થાય ? સંબંધો તૂટી જ જાય.

[2] ધંધાના સ્થળે ધંધો જ કરો

જો તમારે ધંધામાં સારી રીતે સફળ થવું હોય તો ધંધાના સ્થળને સામાજિક સેવાનું સ્થળ ન બનાવો. કેટલાક લોકો ધંધાના સ્થળેથી કૌટુંબિક કાર્યો કરે છે. સગાં-વહાલાં ત્યાં એકત્ર થાય છે. તેઓ જલદી જતાં નથી. અન્ય સગાંની કુથલી કરવાનું કોને ન ગમે ? આવી કુથલીની વાતો જલદી પૂરી થતી નથી અને ધંધાનું કામ ખોટી થાય છે. તમે જો ધંધાના સ્થળેથી આવાં જ્ઞાતિ વિષયક કાર્યો શરૂ કરશો તો થોડા સમયમાં તો ઘણા લોકો તમારે ત્યાં આવવા માંડશે અને દરરોજ ડાયરો ભરાવા માંડશે. તેથી કૌટુંબિક કાર્યો ઘરે જ કરવાનું રાખો. અન્ય લોકોને પણ ધંધાના સ્થળને બદલે ઘરે જ બોલાવો. તેનાથી તમને લાંબા ગાળે ફાયદો થશે.

અનુભવ એમ જણાવે છે કે જ્યારે નજીકનાં સગાં ધંધાના સ્થળે કે દુકાને આવે છે, ત્યારે તેઓ ન જોઈતી સલાહ આપે છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વાત કર્યા કરે છે. આપણે જાણીએ છીએ કે આવી સલાહોનો કોઈ અર્થ હોતો નથી. કારણ કે સગાં કાંઈ જે તે ધંધાના નિષ્ણાત હોતા નથી. સલાહ આપે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ કેટલાક સગાં ધંધાની ટીકા કરે છે અને તે બાબત અરુચિકર બની જાય છે. આવું બધું બનતું રહે છે, તેથી પેલી કહેવતની જેમ બાવાના બેય બગડે છે. ધંધો કરતી વખતે માત્ર ધંધા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. સામાજિક કાર્યોનો બોજો તે સમયે મન ઉપર ન રાખશો. અલબત્ત, કોઈકવાર કટોકટી સમયે પેઢીએથી કે દુકાનેથી સામાજિક કે કૌટુંબિક કામ કરવું પડે તે વાત જુદી છે. પણ સામાન્ય સંજોગોમાં તો આ બન્ને બાબતોને અલગ રાખો.

[3] નાના ઝઘડા ઊભા ન કરો

નાની નાની બાબતોમાં વાંકું પાડવું, તે જીવનવિકાસને રુંધે છે. નાની વાતમાં પણ ઝઘડા કરવા એટલે સમય અને શક્તિનો વ્યય કરવો તે. નાની બાબતના ઝઘડા, આપણા અધૂરા વ્યક્તિત્વ-વિકાસની નિશાની છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે આપણા મનમાં નિરાશા હોય, ચિંતા હોય કે શંકા હોય ત્યારે વ્યક્તિ રાઈનો પહાડ બનાવી દે છે. એક બાબતનો રોષ બીજી બાબત ઉપર ઠાલવે છે. તમને પણ આવો અનુભવ થતો હોય તો નિરાશા, ચિંતા, શંકા વગેરેને દૂર કરવાનો પ્રયાસ કરો. જો આવી માનસિક ઉપાધિઓ ટળી જશે તો પછી ઝઘડાઓ ઊભા થવાનું કારણ નહીં રહે. નાની બાબતમાં ઝઘડા પ્રગતિના પંથમાં પથ્થરો સમાન છે. તેને તમે પહેલાં દૂર કરો પછી જ આગળ વધો.

અશાંત મનને કારણે આવું થતું હોય તો મનને શાંત બનાવવા પ્રયત્ન કરો. રમત-ગમત, કલા, સંગીત, વગેરે પ્રવૃત્તિઓ દ્વારા મનને શાંત પાડી શકાય. અરે, જોગિંગ કે વૉકિંગ જેવી સાદી પ્રવૃત્તિથી પણ મનની ભૂમિકા બદલી શકાય. જો તમે કાળજી નહીં રાખો તો નાના ઝઘડા કરવાની તમને ટેવ પડી જશે અને તેને દૂર કરવાનું મુશ્કેલ બનશે. તેથી જેવો તમને ખ્યાલ આવે કે નાના નાના ઝઘડાનું પ્રમાણ તમારા દ્વારા વધી ગયું છે, કે તરત જ ઉપર જણાવેલાં પગલાં લો. તેનાથી તમારા વ્યક્તિત્વ-વિકાસને થતું નુકશાન અટકી જશે. ઝઘડાઓ કરવાનું પણ એક પ્રકારનું વ્યસન થઈ જાય છે. જ્યાં સુધી મગજ ગરમ ન થાય ત્યાં સુધી કેટલાકને મઝા આવતી નથી, પણ આવા લોકો સમજતા નથી કે આવું વ્યસન ધીમે ધીમે તેમની કબર ખોદી રહ્યું છે. ઝઘડા દ્વારા ઉગ્ર બનેલું મન ઘણા મનોદૈહિક રોગોને નોતરે છે. જેવા કે, બ્લડપ્રેસર, હાર્ટએટેક, ગેસટ્રબલ, અસ્થમા વગેરે. તમે આવા વિચિત્ર વ્યસનના ભોગ તો નથી બન્યા ને ?

[4] અન્યના ટીકાકાર ન બનો

વખાણ કરવા કરતાં ટીકા કરવી સહેલી છે. વખાણ કરવામાં વિચારવું પડે છે. પણ ટીકા કરવામાં વિચારવું પડતું નથી. વખાણ કરવા સામેની વ્યક્તિના કાર્યની ખૂબીઓ શોધી કાઢવી પડે છે. પણ ટીકામાં આવી કોઈ મહેનત કરવી પડતી નથી. ટીકા કરવી એટલે આપણા મનમાં રહેલી ઈર્ષાની ભાવનાને ઉત્તેજન આપવું. ઈર્ષા એ નકારાત્મક ગુણ છે અને તે આપણા વિકાસને રુંધે છે. એક વખત ટીકા કરી, એટલે બીજી વખત ટીકા કરવાની વૃત્તિ સળવળે છે અને લાંબા ગાળે તો ટીકા કરવાનું વ્યસન થઈ જાય છે. ટીકા કરવાથી આપણામાં રહેલી શક્તિનો દુર્વ્યય થાય છે. ટીકા કરવાની શક્તિનો જો અન્ય કાર્યમાં ઉપયોગ કરીએ તો કેટલો બધો ફાયદો થાય ? તેથી જ કહેવામાં આવ્યું છે કે : ‘વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ ટીકા તો ન જ કરશો.’ ટીકા કરવાથી તમે કોઈક વાર અન્ય વ્યક્તિ સાથે સંઘર્ષમાં ઉતરી પડશો, ન જોઈતો ઝઘડો કરી બેસશો. તમે ટીકાકાર ન બનો, સલાહકાર બનો, માર્ગદર્શક બનો અને સર્જક બનો. નવું નક્કર કાર્ય કરો.

જીવનમાં ટીકાઓ કરો નહીં અને અન્ય ટીકા કરતા હોય તેને સાંભળો નહીં. તમારી સાથે કામ કરતા અન્ય કર્મચારીઓની ટીકા કરવાથી દૂર રહેજો, અને તમારા કાર્યની કોઈ ટીકા કરે તો ધ્યાન આપશો નહીં, વ્યથિત થશો નહીં. તમારા કાર્યની બીજા લોકો કદર કરે એવું ઈચ્છતા હો તો તમે પણ તેમના કાર્યની કદર કરો. તેમના કાર્યના ઉત્તમ અંશો શોધી કાઢો, ભલે તમને થોડી મહેનત પડે, પણ પરોક્ષ રીતે તમે તેમની પ્રગતિના સહાયક બની જશો. તમારા વખાણથી તેને આગળ વધવાનું બળ મળી રહેશે.

[5] સ્પષ્ટ અને ચોક્કસ બોલવાનું રાખો

વ્યક્તિનો પ્રભાવ તે કઈ રીતે બોલે છે તેના ઉપર રહે છે. જો તમે યોગ્ય રીતે બોલશો તો અન્ય લોકો સાથે સારી રીતે વ્યવહાર ચલાવી શકશો અને તમારો પ્રભાવ પડશે. જો તમે બરાબર બોલી નહીં શકો, તો વ્યવહાર નહીં થઈ શકે અને તમારો પ્રભાવ ઓછો પડશે. જીવનમાં સફળ થવા યોગ્ય રીતે અને અસરકારક રીતે બોલતા શીખો. સૌ પ્રથમ તમે તપાસ કરો કે તમે જે રીતે બોલો છો, તે રીત બરાબર છે ? તમે જે કહેવા માંગો છો તેનો ખ્યાલ સામેની વ્યક્તિને બરાબર આવી જાય છે ? એટલે કે તેને તમે શું કહેવા માંગો છો તે અંગે તમને બીજીવાર પૂછવું પડે છે ? કે વારંવાર પૂછવું પડે છે ? જો તેમ હોય તો તમારે વિચારવું જોઈએ અને સ્પષ્ટ અને અસરકારક કેમ બોલી શકાય તેના ઉપાય કરવા જોઈએ.

વ્યક્તિત્વનો 25% વિકાસ યોગ્ય અને અસરકારક ભાષાના ઉપયોગ ઉપર નિર્ભર રહે છે. જે લોકો બરાબર બોલી શકતા નથી કે બોબડું બોલે છે, તેમના વ્યક્તિત્વના વિકાસને ચોક્કસ રીતે અસર થાય છે. તેમનો જોઈએ તેટલો પ્રભાવ પડતો નથી. ધંધાકીય અને વ્યવસાયના ક્ષેત્રમાં તો તમે કઈ રીતે બોલો છો તેના ઉપર જ બધો આધાર છે. તમે જ્યારે બોલો ત્યારે કેટલીક બાબતોનો ખ્યાલ રાખો, તો તમારી ભાષા રોચક બનશે. સૌ પ્રથમ જે કહેવા ઈચ્છતા હો તેને માટે જેટલા બને તેટલા યોગ્ય શબ્દો શોધો. પછી જે કહેવું છે, તેને જોરદાર રીતે સાંભળી શકાય તેમ કહો. વાણી વધુ અસરકારક બનાવવા બોલવાનું એકસરખું ન રાખતાં, તેમાં ઉતાર-ચઢાવ રાખો. વાતના મર્મ પ્રમાણે અને ભાવ પ્રમાણે, મોટેથી અને જરૂર પડે ધીમેથી બોલો. જીવનમાં તમે સફળતા મેળવશો જ.

[6] થોડો સમય એકાંતમાં જવાનું રાખો

એકધારા કામથી કેટલીકવાર ઘણો કંટાળો આવે છે. આવા કામથી થોડો છૂટકારો મળે તો સારું એવું તમને લાગે છે. તમે એમ વિચારો છો કે અઠવાડિયા કે દસ દિવસ પછી ટ્રીપ ઉપર જઈશું પણ તમે આવું કરી શકતા નથી. કામમાંથી ધાર્યા પ્રમાણે છુટ્ટી મેળવી શકતા નથી. તેથી એક કામચલાઉ પણ ઘણો ફાયદાકારક ઉપાય છે. એકાંતમાં ચાલ્યા જવું. તમે એવા સ્થળે જઈ શકો, જ્યાં કોઈ તમને ઓળખતું ન હોય, કોઈ તમને ખલેલ ન પહોંચાડે. તમને મન થાય, ખૂબ જ કંટાળા જેવું લાગે એટલે જો તમારી પાસે કાર હોય તો શહેરની બહાર, સુંદર કુદરતી દશ્ય હોય ત્યાં ચાલ્યા જાવ, કોઈક નદી કિનારે કે તળાવના કિનારે. આવા સ્થળે તમને ઘણી જ શાંતિ લાગશે. તમારું મન ધીમે ધીમે સ્વસ્થ થશે અને ઠંડી હવાની લહેરથી પ્રફુલ્લ બની જશે.

આવા એકાંત સ્થળે બે-ત્રણ કલાક ગાળી શકો. આવી નાનકડી ટ્રીપમાં તમારે કોઈ યોજનાની જરૂર નહીં પડે. કોઈ ખાસ ખર્ચ પણ નહીં થાય અને છતાં દરરોજની એકધારી જિંદગીમાં નવું પરિવર્તન આવશે. એકાંતમાં રહેવાના અનેક લાભ છે. એકાંતમાં નવા વિચાર આવે છે, કોઈક સમસ્યા હોય તો તેનો ઉકેલ મળી આવે છે, વિશેષ તો મન અને શરીરને નવી શક્તિ મળશે. એક વખત પણ એકાંતનો અનુભવ કરવા જેવો છે. ઘણી વાર દવાની ટીકડી નથી કરી શકતી તે અસર એકાંતમાં લીધેલો એક શ્વાસ કરી શકે છે. એરકંડીશન્ડ રૂમમાં જે સુખ મળે છે, તેનાથી અનેકગણું સુખ ઝાડ નીચે બેસવાથી પ્રાપ્ત થઈ શકે છે. તમે અચાનક જ એકાંતમાં જવાનું નક્કી કરો, તો તમને વધુ આનંદ મળી શકશે.

No comments:

Post a Comment